પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ
પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ
Blog Article
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો નવ માર્ચે પ્રારંભ કરાવ્યો હતો. પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ, ડૉ. સાધ્વી ભગવતી સરસ્વતી, પ્રખ્યાત કથાકાર શ્રીમતી જયા કિશોરી તથા 50 દેશોના લગભગ 1,000 યોગ સાધકો, શિક્ષકો અને રાજદૂતોએ યોગ મહોત્સવના પ્રસંગે દીપપ્રાગટ્ય કર્યું હતું.
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ, દિવ્ય ગંગા, ભવ્ય પર્વતો અને શુદ્ધ હિમનદીઓ વચ્ચે સ્થિત આયુર્વેદ, શાંતિ, યોગ અને ધ્યાનની પવિત્ર ભૂમિ પર સૌનું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાને દરેકને “સનશાઇન ટુરિઝમ” તથા ચાર ધામ અને જાગેશ્વર ધામની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા હતાં.
યોગ દ્વારા પીડાને એક હેતુમાં રૂપાંતરિત કરવા પર શ્રી ગૌરાંગ દાસ, સાધ્વી ભગવતી સરસ્વતીજી, બ્રાન્ડન બેઝ અને કિયા મિલર દ્વારા એક ખાસ વાર્તાલાપ અને પ્રવચન સાથે પચાસથી વધુ દેશો યોગની ઉજવણી માટે એકઠા થયાં હતાં.
ઉદ્ઘાટન સમારંભનું પવિત્ર ગંગા આરતી તથા ગૌરા વાણી અને તેમના સંગીતકારો અને કલાકારોની ટીમ દ્વારા ભક્તિથી ભરપૂર સાંજના કીર્તન સાથે સમાપન થયું હતું. યોગ મહોત્સવનો બીજો દિવસ વહેલી સવારે 4 વાગ્યાથી સાધના સાથે શરૂ થયો હતો, જેમાં પવિત્ર સંગીત, રાગ, યોગ, આયુર્વેદ અને સુખાકારી સત્રોનો સમાવેશ થતો હતો. સાંજે ગંગા આરતી સાથે દિવસનો અંત આવ્યો હતો.